દિવસ 1 / 30
ઈશ્વરની હાજરીનો દિલાસો
હવે શાંતિના પ્રભુ પોતે સર્વદા તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો.
મને યાદ છે, મારા જીવનમાં એક ખૂબ કઠિન સમય આવ્યો હતો… એવો સમય જ્યારે હું બહુ રડતી… એવો સમય જ્યારે મને લાગતું કે હું માંડ ખાઈ શકું છું… એવો સમય જ્યારે મારું મન ચારે બાજુ દોડતું અને ગમતી વસ્તુઓમાં પણ મને મજા નહોતી આવતી.
એ મુશ્કેલ સમયમાં મને બાઇબલ વાંચવામાંથી દિલાસો મળ્યો. ગીતશાસ્ત્રે તો મારો જીવ બચાવ્યો!
હું કમ્પ્યૂટર પાસે જઈને લખતી… બાઇબલનાં વચનો કૉપી-પેસ્ટ કરતી… મારા વિચારો લખતી… થોડી કવિતાઓ પણ લખતી. મારી પાસે ડાયરીનાં ઘણાં પાનાં છે.
એ ડાયરીનાં પાનાંમાંથી જ આજે તમારા હાથમાં છે તે પુસ્તિકાની શરૂઆત થઈ.
અમુક ગીતો સાંભળીને પણ મને ખૂબ શાંતિ મળી. અમુક ગીતો હું મનમાં વારંવાર ગાયા કરતી. Under the Blood of Jesus નામના એક ખાસ ગીતે મને આ કઠિન સમયમાંથી પસાર થવામાં મદદ કરી.
આ ગીતના શબ્દો યાદ કરતી ત્યારે મને લાગતું કે પ્રભુના દૂતો મને ઘેરી વળ્યા છે.
મારા મિત્રો, ઈશ્વરની હાજરી ખરેખર અદ્ભુત છે. ડર, વેદના, ચિંતા અને ગભરામણ ઈશ્વરની હાજરીમાં ટકી શકતાં નથી. જો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ઊથલપાથલ ચાલતી હોય, તો હું તમને ઉત્તેજન આપું છું કે ઈશ્વરનો મહિમા કરતાં ગીતો સાંભળવાનું શરૂ કરો… ઈશ્વરની સ્તુતિ અને આરાધના કરો. તમારા આખા અસ્તિત્વને શાંતિ મળશે.
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપો.
મનન
મુશ્કેલ સમયમાં કયા બાઇબલ વચને કે ગીતે તમને દિલાસો આપ્યો છે? થોડી વાર એના શબ્દો યાદ કરો અને તમારા મનમાં જે છે તે વિશે ઈશ્વર સાથે વાત કરો.
પ્રાર્થના
પ્રભુ, તમારા વચન અને તમારી હાજરીના દિલાસા માટે તમારો આભાર. મને પરેશાન કરતા વિચારો અને ચિંતાઓ તમે જાણો છો. હું વાંચું, પ્રાર્થના કરું અને આરાધના કરું ત્યારે મારું હૃદય તમારી તરફ વાળવામાં અને તમારા પ્રેમમાં વિસામો પામવામાં મને મદદ કરો. આમેન.