દિવસ 12 / 30
ઈશ્વર તમારો હાથ પકડે છે
હું મોટી થતી હતી ત્યારે પપ્પા અને હું સાથે ચાલવા જતાં. મને ખાસ કરીને શિયાળામાં સાથે ચાલવાનું યાદ છે. પપ્પા હંમેશાં મારો હાથ પકડતા. મેં હાથ ગરમ રાખવા કદાચ મોજાં પહેર્યાં હશે. પણ એ ઠંડા દિવસોમાં પપ્પા માત્ર મારો હાથ પકડતા એટલું જ નહિ, પણ મારો હાથ તેમના હાથમાં લઈને પોતાના ખિસ્સામાં મૂકી દેતા. મને એ હંમેશાં ખૂબ હૂંફાળું લાગતું – મારો હાથ તેમના હાથમાં, અને તેમનો હાથ તેમના ખિસ્સામાં! કેવી સલામતી!
આ સલામતી He Leadeth Me ભજનમાં બહુ સરસ રીતે વ્યક્ત થઈ છે. મને આ કડી ખૂબ ગમે છે:
પ્રભુ, હું મારો હાથ તમારા હાથમાં મૂકું,
કદી કચકચ કે અફસોસ ન કરું;
જે પણ મારે ભાગે આવે તેમાં સંતોષ રાખું,
કારણ કે મને દોરનાર મારા ઈશ્વર છે.
આપણે ઈશ્વર પર પૂરેપૂરો ભરોસો રાખી શકીએ. આપણે આપણો હાથ તેમના હાથમાં મૂકીએ છીએ. પછી તે આપણી સાથે ચાલે છે અને આપણે જ્યાં જવાનું છે ત્યાં આપણને દોરી જાય છે.
તેમને તમને દોરવા દો!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપો.
મનન
કયા નિર્ણય કે કઈ પરિસ્થિતિમાંથી ઈશ્વર તમને દોરે એવી તમને જરૂર છે? તમે તેમના પર ભરોસો કેવી રીતે મૂકી શકો?
પ્રાર્થના
પિતા, તમને ઓળખવાથી મળતી સલામતી માટે તમારો આભાર. હું મારો હાથ તમારા હાથમાં મૂકું છું. મારે જે માર્ગે જવું જોઈએ તે માર્ગે મને દોરો અને રાજી હૃદયથી તમારી પાછળ ચાલવામાં મને મદદ કરો. આમેન.