દિવસ 13 / 30
અંગત ઈશ્વર
1 હે યહોવાહ, તમે મારા હૃદયની પરીક્ષા કરી છે અને તમે મને ઓળખો છો.
2 મારું બેસવું તથા મારું ઊઠવું તમે જાણો છો; તમે મારા વિચારો વેગળેથી સમજો છો.
3 જ્યારે હું સૂઈ જાઉં છું, ત્યારે તમે મારા માર્ગોનું અવલોકન કરો છો; તમે મારા બધા માર્ગોના માહિતગાર છો.
4 કેમ કે, હે યહોવાહ, તમે મારા મુખની બધી વાતો પૂરેપૂરી જાણો છો.
5 તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે અને તમે તમારા હાથે મને પકડી રાખ્યો છે.
6 આવું ડહાપણ તો મને આશ્ચર્ય પમાડનારું છે; તે અતિ ઉચ્ચ છે અને હું તેને સમજી શકતો નથી.
13 તમે મારું અંતઃકરણ ઘડ્યું છે; મારી માતાના ઉદરમાં તમે મારી રચના કરી છે.
14 હું તમારો આભાર માનીશ, કેમ કે તમારાં કાર્યો અદ્દભુત અને આશ્ચર્યજનક છે. તમે મારા જીવન વિષે સઘળું જાણો છો.
16 ગર્ભમાં પણ તમે મને નિહાળ્યો છે; મારું એકે અંગ થયેલું ન હતું, ત્યારે તેઓ સર્વ, તેમ જ તેઓના ઠરાવેલા સમયો તમારા પુસ્તકમાં લખેલા હતા.
17 હે ઈશ્વર, તમારા વિચારો મને કેટલા બધા મૂલ્યવાન લાગે છે! તેઓની સંખ્યા કેટલી બધી મોટી છે!
18 જો હું તેઓને ગણવા જાઉં તો તેઓ રેતીના કણ કરતાં વધારે થાય. જ્યારે હું જાગું, ત્યારે હું હજી તમારી સાથે હોઉં છું.
હાથ પકડવો એ આત્મીયતાની નિશાની છે. એ સાથે હોવાની નિશાની છે. ક્યારેક કોઈ બીમાર હોય ત્યારે આપણે તેમનો હાથ પકડીએ છીએ, જેથી તેમને ખબર પડે કે આપણે તેમની પાસે છીએ. કોઈ યુગલ રસ્તા પર ચાલતું હોય ત્યારે તેઓ હાથમાં હાથ નાખીને ચાલે છે.
મને યાદ છે, હું સ્ટીવ સાથે ડાયના ક્રૉલના એક કોન્સર્ટમાં ગઈ હતી. મને એવું લાગ્યું કે જાણે અમે અમારા ઘરના દીવાનખાનામાં બેઠાં છીએ અને તે ફક્ત અમારા માટે વગાડી રહી છે. એ એક અદ્ભુત અનુભવ હતો. મને બરાબર યાદ છે ત્યાં સુધી, એક સમયે સ્ટીવે હાથ લંબાવીને મારો હાથ પકડ્યો. એ એટલી અંગત, આત્મીય ક્ષણ હતી કે મને લાગે છે હું રડવા માંડી. (એમાં કંઈ નવાઈ નથી!)
આપણે સમજવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિ આપણને જેટલું ઓળખી શકે તેના કરતાં ઈશ્વર આપણને વધારે સારી રીતે ઓળખે છે. તે આપણા વિશે બધું જ જાણે છે! આપણી નબળાઈઓ છતાં તે આપણને પ્રેમ કરે છે. આપણે આપણા દિલની વાત તેમને કહી શકીએ. આપણે કોઈ પણ બાબતમાં તેમના પર ભરોસો રાખી શકીએ. તે અંગત ઈશ્વર છે અને તે આપણી સાથે અંગત સંબંધ રાખવા માગે છે. તે આપણો હાથ પકડવા માગે છે, કારણ કે તે આપણા જીવનમાં સામેલ થવા માગે છે.
હવે આ વિચારવા જેવી વાત છે!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપો.
મનન
ઈશ્વર તમને પહેલેથી પૂરેપૂરા ઓળખે છે અને પ્રેમ કરે છે એ જાણીને, આજે તમે તેમને શું કહેવા માગો છો?
પ્રાર્થના
પ્રભુ, મને પૂરેપૂરો ઓળખવા છતાં મને પ્રેમ કરવા બદલ તમારો આભાર. તમારી સાથે પ્રામાણિકપણે વાત કરવામાં અને મારા દિલમાં જે છે તે બાબતમાં તમારા પર ભરોસો રાખવામાં મને મદદ કરો. મારી સાથે અંગત સંબંધ રાખવા ઇચ્છવા બદલ તમારો આભાર. આમેન.