દિવસ 22 / 30
જીવનના સુંદર શબ્દો
બાઇબલ વાંચન
16 તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તોપણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે. 17 કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે; 18 એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદ્રશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે અનંતકાળિક છે.
મને શાસ્ત્રવચનો બહુ ગમે છે. બાઇબલ મને પ્રેરણા આપે છે. કેવી રીતે જીવવું એ જાણવામાં બાઇબલ મને મદદ કરે છે. ગૂંચવણભરી પરિસ્થિતિઓમાંથી રસ્તો શોધવામાં તે મને મદદ કરે છે. મેં જોયું છે કે બાઇબલમાં આપેલી સલાહ ખરેખર કામ કરે છે. બીજું કોઈ પણ ‘સેલ્ફ-હેલ્પ’ પુસ્તક ન કરી શકે એ રીતે તે કામ કરે છે, કારણ કે બાઇબલ મારા માટે ઈશ્વરના શબ્દો છે. જરા વિચારો! ઈશ્વરે મારે વાંચવા માટે જીવનના શબ્દો લખ્યા છે. તે જે કહે છે તેની મારે અવગણના ન કરવી જોઈએ.
બાઇબલ સાચી દૃષ્ટિ આપે છે. તે મને મારા જીવનની પરિસ્થિતિઓને ઈશ્વરની નજરે જોવામાં મદદ કરે છે.
દાખલા તરીકે, તમે અત્યારે જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હો તે લો. તમને કદાચ એનો કોઈ અંત દેખાતો નહિ હોય – ન તો અંધારી ગુફાને છેડે અજવાળું દેખાય, ન તો કાળાં વાદળની રૂપેરી કોર. કદાચ ઈશ્વર તમને જે કરવાનું કહે છે તે કરવાનો તમે પ્રયત્ન કરો છો, છતાં તમે ખૂબ નિરાશ છો. કદાચ લોકો તમારા વિશે વાતો કરે છે. કદાચ તમે પોતાને પૂછો છો કે હું આ જગ્યાએ કેમ છું!
આવાં શાસ્ત્રવચનો વાંચું છું ત્યારે મને આશા મળે છે. ઘણી વાર જે સાચું છે તે કરવું સહેલું નથી હોતું. સત્યના પક્ષે ઊભા રહેવું હંમેશાં સહેલું નથી. ઈશ્વર જે કહે તે પાળવું ઘણી વાર અઘરું હોય છે, કેમ કે એ ઘણી વાર પ્રવાહની ઊલટી દિશામાં તરવા જેવું હોય છે… તમે બસ બધાની સાથે વહી જતા નથી.
આજે તમારે ગમે તેવી સતાવણી અને મુશ્કેલીનો સામનો કરવો પડે, તમારા જીવનમાં ઈશ્વર જે ઇચ્છે છે તેના પક્ષે અડગ ઊભા રહો! જો તમે આમ કરશો, તો તમને મહિમાવંત અનંતકાળનું ઇનામ મળશે!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપે.
મનન
મુશ્કેલ સમયમાં બાઇબલના કયા ભાગે તમને આશા આપી છે? તમારી અત્યારની પરિસ્થિતિને જોવામાં તે તમને કેવી રીતે મદદ કરી શકે?
પ્રાર્થના
હે પિતા, બાઇબલમાં તમે અમને આપેલા જીવનના શબ્દો માટે તમારો આભાર. ડહાપણ અને આશા માટે તમારા વચન તરફ વળવામાં મને મદદ કરો. જ્યારે હું નિરાશ થાઉં, ત્યારે જે સાચું છે તે કરવા અને જે સદાકાળ ટકે છે તેના પર મારી નજર રાખવા મને બળ આપો. આમેન.