દિવસ 19 / 30
ઈશ્વર આપણો બોજ ઉપાડે છે
તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
હું નાની હતી ત્યારે મારા પપ્પા અને ભાઈઓ સાથે માછલી પકડવા જતી. ગલમાં મોટી માછલી ફસાય ત્યારે કેવું લાગે, ખબર છે? મને ખબર છે. ઓછામાં ઓછું, મને તો એ મોટી માછલી લાગી હતી. મારાથી સંભાળાય નહિ એટલી મોટી! પપ્પા મારી મદદે આવતા અને મારે માટે માછલી ખેંચી કાઢતા.
જેમ મારા પપ્પા મારે માટે માછલી ખેંચી કાઢતા, તેમ આપણે ઈશ્વરને આપણો બોજ ઉપાડવા દેવો જોઈએ. ઈશ્વર નથી ઇચ્છતા કે એ ભાર આપણે ઉપાડીએ. ઈશ્વરને એ સોંપી દેવો એ નબળાઈની નિશાની નથી. હું માનું છું કે એ તો એ વાતની નિશાની છે કે આપણે આપણી માણસ તરીકેની મર્યાદાઓ જાણીએ છીએ. આ જીવનની ગરબડ અને સંકટોમાંથી પાર ઉતારી શકે એવા એકમાત્ર તે જ છે.
તમારી મુશ્કેલીઓ વિશે ઈશ્વર સાથે વાત કરો. જેવા તમે દુઃખી, ઉદાસ, ચિંતાતુર, ભારથી દબાયેલા કે મૂંઝાયેલા અનુભવો, તરત તેમને જણાવો. તમારા અદ્દભુત સલાહકાર સાથે મુલાકાત ગોઠવો અને તમારા દિલમાં જે કંઈ હોય તે બધા વિશે વાત કરો (યશાયા 9:6).
ગીતકારે લખેલા આ શબ્દો સાથે હું પૂરેપૂરી સહમત છું:
ઈસુ કેવા સારા મિત્ર છે,
આપણાં પાપ ને દુઃખ ઉપાડનાર!
કેવો મોટો લહાવો છે કે
બધું જ પ્રાર્થનામાં ઈશ્વર પાસે લઈ જઈએ!
અરે, કેટલી વાર આપણે શાંતિ ગુમાવીએ છીએ,
અરે, કેટલું નકામું દુઃખ સહીએ છીએ,
કેવળ એટલા માટે કે આપણે
બધું જ પ્રાર્થનામાં ઈશ્વર પાસે લઈ જતા નથી!શું આપણને કસોટી ને પ્રલોભનો છે?
શું ક્યાંય કોઈ મુશ્કેલી છે?
આપણે કદી નિરાશ ન થવું;
પ્રાર્થનામાં એ પ્રભુ પાસે લઈ જાઓ.
આટલો વિશ્વાસુ મિત્ર બીજો ક્યાં મળે,
જે આપણાં બધાં દુઃખમાં ભાગીદાર થાય?
ઈસુ આપણી દરેક નબળાઈ જાણે છે;
પ્રાર્થનામાં એ પ્રભુ પાસે લઈ જાઓ.
આપણે આપણાં પોટલાં ઊંચકીને ફરીએ છીએ… આપણું દુઃખ, પાપ, શોક, ચિંતાઓ, અને એની કોઈ જરૂર પણ નથી! તમારાં પોટલાં તેમને આપી દો. તમારાં બધાં પોટલાં તેમના પર નાખી દો. તે તમારી એટલી બધી કાળજી રાખે છે કે તે તમારે માટે એ ઉપાડવા માગે છે!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપે.
મનન
આજે તમે કયો બોજ ઉપાડી રહ્યા છો? તે વિશે તમે તમારા સ્વર્ગીય પિતાને શું કહેવા માગો છો?
પ્રાર્થના
હે પિતા, હું મારા બધા બોજ તમારી પાસે લાવી શકું છું તે માટે તમારો આભાર. આજે હું મારી બધી ચિંતાઓ, મારા બધા બોજ, મારી બધી મુશ્કેલીઓ અને મારી બધી બેચેની તમારા પર નાખું છું, કેમ કે તમે મારી સંભાળ રાખો છો. જે વાત મને પરેશાન કરે છે તે વિશે દિલ ખોલીને બોલવામાં અને તમારી સંભાળ પર ભરોસો રાખવામાં મને મદદ કરો. આજે મારી સામે જે છે તેને માટે મને ડહાપણ અને બળ આપો. આમેન.