દિવસ 4 / 30
તે તમને કદી છોડી દેશે નહિ
બાઇબલ વાંચન
દ્રવ્યલોભથી દૂર રહો; તમારી પાસે જે હોય તેમાં સંતોષ માનો; કેમ કે પ્રભુએ કહ્યું છે કે, ‘હું તને મૂકી દઈશ નહિ અને તજીશ પણ નહિ.’”
હું નાની હતી ત્યારે મારા પપ્પા મને બગીચામાં રમવા લઈ જતા. મને હીંચકા ખાવા બહુ ગમતા! અમે થોડી વાર ત્યાં રહેતાં, પણ છેવટે એ સમય આવતો જ્યારે પપ્પા કહેતા કે હવે ઘરે જવું પડશે.
મારે ઘરે નહોતું જવું.
મારા પપ્પા મારી સાથે એક યુક્તિ કરતા – તે સંતાઈ જતા. હું આખા બગીચામાં નજર ફેરવતી, પણ પપ્પા ક્યાંય દેખાતા નહિ. ગભરાટ! હું ઘર તરફ પૂરપાટ દોડવા માંડતી.
પછી પપ્પા સંતાવાની જગ્યાએથી બહાર આવતા અને મને દેખાતા. હાશ! તે તો ત્યાં જ હતા. ધારો કે પછી હું શું કરતી? હું સીધી પાછી બગીચામાં રમવા દોડી જતી!
મારા જીવનનો આ પ્રસંગ યાદ કરું છું ત્યારે મને એ વાત યાદ આવે છે કે ભલે આપણને એકલું લાગે, પણ ઈશ્વર આપણને કદી છોડી દેશે નહિ કે તજી દેશે નહિ.
આજે ઘણા લોકોને તેમના દુન્યવી પિતાએ છોડી દીધા છે. જ્યારે તેઓ સ્વર્ગીય પિતાના સંપર્કમાં આવે છે ત્યારે તેમને મુશ્કેલી પડે છે, કારણ કે તેમને ડર લાગે છે કે તે પણ તેમને છોડી દેશે. આપણે પૂરેપૂરી ખાતરી રાખી શકીએ કે ઈશ્વર હંમેશાં આપણી સાથે છે અને તે આપણને કદી છોડી દેશે નહિ. આપણે કદી પિતા વગરના નહિ રહીએ. આપણાં માતાપિતાએ આપણને તજી દીધાં હોય તોપણ ઈશ્વર હંમેશાં પાસે જ છે.
ગીતશાસ્ત્ર 27:10 એક સુંદર વચન છે, જે પિતા ઈશ્વરનું હૃદય બતાવે છે:
જો કે મારા માતાપિતાએ મને તજી દીધો છે, તોપણ યહોવાહ મને સંભાળશે.
જેમને પોતાનાં સગાં માતા કે પિતાએ તરછોડ્યાં છે, તેમને માટે આ મોટો દિલાસો છે.
પપ્પાને સંતાવાની જગ્યાએથી બહાર આવતા જોઈને હું જે કરતી તે યાદ કરું ત્યારે મને હસવું આવે છે. હું તો સીધી પાછી બગીચામાં દોડી જતી! શું આપણે ઈશ્વર સાથે પણ બરાબર એવું જ નથી કરતા? તે ઇચ્છે છે કે આપણે તેમની પાછળ ચાલીએ, અને આપણે આપણા પોતાના રસ્તે જવા માગીએ છીએ. ઈશ્વરનો આભાર કે તે આપણને છોડી દેતા નથી! જેમ મારા પપ્પા ત્યાં જ મારી રાહ જોતા હતા, તેમ પિતા આપણી રાહ જુએ છે.
મને ઉડાઉ દીકરાનું દૃષ્ટાંત (લૂક 15) યાદ આવ્યા વગર રહેતું નથી. આ દીકરાએ પોતાનો વારસો ઉડાવી દીધો હતો અને તેને સમજાયું કે તેણે પોતાના પિતાના ઘરે પાછા જવું જોઈએ.
તે હજી ઘણો દૂર હતો એટલામાં તેના પિતાએ તેને જોયો
તેના પિતા પોતાના વહાલા દીકરાના ઘરે પાછા આવવાની રાહ જોતા હતા અને નજર રાખતા હતા!
ખ્રિસ્તી તરીકે આપણે સમજવાની જરૂર છે કે આપણા સ્વર્ગીય પિતા ખરેખર કેટલા પ્રેમાળ, કૃપાળુ, દયાળુ અને કરુણામય છે!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપો.
મનન
તમને ક્યારે એકલું લાગ્યું છે? ઈશ્વરનું તમને કદી ન છોડવાનું વચન તમને તેમના પર ભરોસો રાખવા કેવી રીતે હિંમત આપે છે?
પ્રાર્થના
પિતા, તમારો આભાર કે તમે મને કદી છોડી દેશો નહિ કે તજી દેશો નહિ. મને એકલું લાગે ત્યારે પણ તમારા પ્રેમ પર ભરોસો રાખવામાં મને મદદ કરો. મને તમારી પાસે ખેંચી લો, અને તમે જ્યાં દોરો ત્યાં ચાલવા માટે મને રાજી હૃદય આપો. આમેન.