દિવસ 6 / 30
મારા દિલાસો આપનાર
આ એક દિલાસો આપનારું વચન છે:
11 યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ:ખ તથા શોક જતાં રહેશે.
હું નાની હતી ત્યારે મારાં દાદી વ્હાઇટ, એટલે પપ્પાનાં બા, એ મારા માટે એક રજાઈ બનાવી હતી (અંગ્રેજીમાં તેને “comforter” કહે છે, એટલે કે “દિલાસો આપનાર”). તેના પર ફલાલીનનું કાપડ હતું અને અંદર ઊન ભરેલું હતું. શિયાળાની કડકડતી ઠંડીમાં હું આ રજાઈ ઓઢી લેતી અને મને હૂંફ મળતી… એકદમ મજાની હૂંફ.
ઈસુ પવિત્ર આત્માને આપણા સહાયક, આપણા દિલાસો આપનાર કહે છે.
પણ સહાયક, એટલે પવિત્ર આત્મા, જેમને પિતા મારે નામે મોકલી આપશે, તે તમને બધું શીખવશે અને મેં જે સર્વ તમને કહ્યું તે સઘળું તમારાં સ્મરણમાં લાવશે.
હવે મારા દિલાસો આપનાર રજાઈની જેમ મને વીંટળાયેલા છે. તે મારામાં રહે છે. પવિત્ર આત્મા મારા સહાયક અને દિલાસો આપનાર છે.
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપો.
મનન
આજે તમને ક્યાં દિલાસાની જરૂર છે? હર્ષ અને આનંદના આ વચનમાં તમને કઈ આશા મળે છે?
પ્રાર્થના
પવિત્ર આત્મા, મારા સહાયક અને દિલાસો આપનાર બનવા બદલ તમારો આભાર. હું જે ઉદાસી અને બોજો ઉપાડું છું તે તમે જાણો છો. તમારો દિલાસો સ્વીકારવામાં અને તમે આપેલી આશાને વળગી રહેવામાં મને મદદ કરો. જેને હિંમતની જરૂર હોય એવી કોઈ વ્યક્તિ સાથે હું પણ તમારી માયા વહેંચી શકું. આમેન.