દિવસ 26 / 30
ઈશ્વરમાં વધતા જવું
26 ભાઈઓ, ઈશ્વરના તમારાં તેડાને લક્ષમાં રાખો કે, માનવીય ધોરણ મુજબ તમારામાંના ઘણાં જ્ઞાનીઓ ન હતા, પરાક્રમીઓ ન હતા, ઉચ્ચ કુળમાં જન્મેલા ન હતા. 27 પણ ઈશ્વરે જ્ઞાનીઓને શરમાવવા સારુ દુનિયાના મૂર્ખોને અને શક્તિમાનોને શરમાવવા સારુ દુનિયાના નિર્બળોને પસંદ કર્યા છે. 28 વળી જેઓ મોટા મનાય છે તેઓને નહિ જેવા કરવા માટે, ઈશ્વરે દુનિયાના અકુલીનોને, ધિક્કાર પામેલાઓને તથા જેઓ કશી વિસાતમાં નથી તેઓને પસંદ કર્યા છે 29 કે, કોઈ મનુષ્ય ઈશ્વરની આગળ અભિમાન કરે નહિ.
કદાચ તમે નક્કી કર્યું હશે કે તમારું જીવન વધારે સારું બનાવવા તમે કેટલાક ફેરફારો કરશો. કદાચ તમે વધારે તંદુરસ્ત ખોરાક ખાશો કે વધારે કસરત કરશો. કદાચ તમે કોઈ અઘરું પુસ્તક વાંચવાનું કે નવી આવડત શીખવા ક્લાસમાં જવાનું પણ નક્કી કર્યું હશે.
તમારામાંના મોટા ભાગના જાણે છે કે શરીર તંદુરસ્ત રાખવા કસરત કરવી, પોષક ખોરાક ખાવો અને પૂરતો આરામ લેવો જરૂરી છે. એ જ રીતે તમારે એ પણ સમજવું જોઈએ કે આત્મિક રીતે તંદુરસ્ત રહેવા માટે કેટલાક સિદ્ધાંતો પાળવા જરૂરી છે. તરત જ તમને કદાચ વિચાર આવશે કે મારે વધારે પ્રાર્થના કરવી, બાઇબલ વાંચવું કે ચર્ચમાં વધારે જવું જોઈએ. આ બધું કરવું બહુ સારું છે! પણ હું તમને ઉત્તેજન આપીશ કે એથી પણ આગળ વધો અને વધારે કસરત શરૂ કરો – આત્મિક રીતે કહું તો.
તમને કદાચ થતું હશે કે આ કેવી રીતે કરવું. તમે જે સિદ્ધાંતો શીખ્યા છો તે લઈને રોજના જીવનમાં લાગુ પાડવાનું શરૂ કરો. નાની શરૂઆત કરો. દાખલા તરીકે, કદાચ કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું છે. દર વખતે તમે એ વ્યક્તિને જુઓ છો ત્યારે તમારા પેટમાં ફાળ પડે છે, અને તેણે કહેલી કે કરેલી જે વાતથી તમને આટલું દુઃખ થયું તે ફરીથી નજર સામે તરી આવે છે. તમે જાણો છો કે તમારે તમારા દુશ્મનો પર પ્રેમ રાખવો જોઈએ, પણ આ બાબતમાં તમે જરાય આગળ વધી શકતા નથી. મારી સલાહ એ છે કે જેણે તમને દુઃખ પહોંચાડ્યું છે તેને માટે પ્રાર્થના કરવાથી શરૂઆત કરો. એ વ્યક્તિ માટે નિયમિત પ્રાર્થના કર્યા પછી, તે લાંબો સમય તમારી દુશ્મન નહિ રહે. મારું માનો. તમારા હૃદયમાં કંઈક થશે, અને તમને લાગશે કે દુઃખ અને માફ ન કરવાની સાંકળો તમારા પરથી તૂટીને પડી રહી છે. છેવટે તમે વધારે ખ્રિસ્ત જેવા બનશો. એ જ તો જોઈતું પરિણામ છે. તમારામાંના કેટલાકે બદલાવાનો પ્રયત્ન જ છોડી દીધો છે – ભૂતકાળમાં તમે બદલાવા માટે બહુ મહેનત કરી અને તમને લાગે છે કે તમે સાવ નિષ્ફળ ગયા છો.
પણ દરેક માટે આશા છે! ઈશ્વરે મારા દિલમાં આ વાત ઠસાવી છે કે તમારા જેવા સામાન્ય લોકો પાસે અસામાન્ય કામો કરાવતાં તેમને કશું જ રોકી શકે નહિ!
ઈશ્વરના રાજ્યમાં કોઈ નકામું નથી. કોઈ ફેંકી દીધેલું નથી. કોઈ તરછોડાયેલું નથી.
ઈશ્વરના બળ અને મદદથી તમે મોટાં કામો કરી શકો છો!
આજે ઈશ્વર તમને આશીર્વાદ આપે.
મનન
બાઇબલનો કયો સિદ્ધાંત તમે આજથી જીવનમાં ઉતારવાનું શરૂ કરી શકો? તમે કયું નાનું પગલું ભરી શકો?
પ્રાર્થના
હે પ્રભુ, તમારું વચન જીવનમાં ઉતારવામાં મને મદદ કરો. નાનાં પગલાંથી શરૂઆત કરવાની હિંમત અને સતત વધતા રહેવાનું બળ મને આપો. તમે મારા જેવા સામાન્ય લોકો દ્વારા કામ કરી શકો છો તે માટે તમારો આભાર. આમેન.